Monday, June 7, 2010

જુદા જુદા મઠા

મેંગો મઠો (8 વ્યક્તિ)
સામગ્રી અને રીત

(1) લગભગ 500 ગ્રામ સાદા મઠામાં 500 ગ્રામ કેસર કેરીનો પલ્પ અને 2 ટીપાં મેંગો એસેન્સ નાખવું.
(2) ત્યાર પછી તેને ફ્રિજમાં ઠડો કરવો. કેરી પ્રમાણે થોડી ખાંડ ઉમેરવી.

કેસર પીસ્તાનો મઠો (5 વ્યક્તિ)
સામગ્રી અને રીત

(1) લગભગ 500 ગ્રામ સાદા મઠામાં 75 ગ્રામ પીસ્તાના ટુકડા નાખવા.
(2) પ્રમાણસર કેસર 1 ટી સ્પૂન દૂધમાં ઓગાળીને મઠામાં નાખવું. પછી મઠાને ફ્રિજમાં ઠંડો કરવા મૂકવો.

સાદો મઠો (3 થી 4 વ્યક્તિ)

(સાદો મઠો)

સામગ્રી
1 કિલો મોળું દહીં
200 ગ્રામ ખાંડ
ઇલાયચીનો પાઉડર

રીત
(1) મોળા દહીંને કપડામાં બાંધી પાણી બહાર કાઢવું. 1 કિલો દહીમાંથી લગભગ 400 ગ્રામ મસ્કો તૈયાર થશે.
(2) દહી સરસ તૈયાર થયું હોય તો મસ્કો વધારે થાય છે.
(3) મસ્કો અને ખાંડને સ્ટીલની ચાળણીથી ચાળવાં. તેમાં ઇલાયચી નાખવી. ત્યાર પછી તેને ફ્રિજમાં ઠંડો કરવો.
(4) મસ્કાથી અડધી ખાંડ લેવી. આમ લગભગ 550 ગ્રામ જેટલો મઠો તૈયાર થશે. ખાંડ આપણી જરુરત પ્રમાણે લેવી.

શીખંડ



શીખંડ (3 વ્યક્તિ)
સામગ્રી

1 લિટર દૂધ
1 ટી સ્પૂન મોળું દહીં
200 ગ્રામ ખાંડ
કેસર
ઇલાયચી

રીત 1
(1) મલાઇવાળા હૂંફાળા દૂધમાં 1 ટી સ્પૂન મોળું દહીં નાખી મેળવવું. દહીં મેળવી ગરમ જગ્યાએ, ગેસ નજીક કે ગરમ તપેલી ઉપર મૂકવું. દહીં જલદી થઈ જશે.
(2) આ દહીંને કપડામાં બાંધી લટકાવી મસ્કો તૈયાર કરવો.
(3) કંતાન પર ધોતિયા જેવું ઝીંણુ કપડું પાથરીને તેના પર દહીં મૂકવાથી મસ્કો જલદી તૈયાર થાય છે.
(4) લગભગ 400 ગ્રામ મસ્કો તૈયાર થશે.
(5) પછી ચાળણીમાં થોડોક મસ્કો ચાળવો. થોડીક ખાંડ નાખવી. આમ વારાફરતી બંને ચાળવાં.
(6) પછી તેમાં ઇલાયચીનો ભૂકો, કેસર નાખવાં જે વસ્તુનો શીખંડ બનાવવો હોય તે વસ્તુ તેમાં નાખી શકાય. (મેંગો, પાઇનેપલ, બદામ, કાજુ, દ્રાક્ષ વગેરે)
રીત 2
(1) મલાઇવાળા હૂંફાળા દૂધમાં 1 ટી સ્પૂન મોળું દહીં નાખો. 2 ટી સ્પૂન કોર્નફ્લોર થોડાક ઠંડા દૂધમાં ઓગાળી હૂંફાળા દૂધમાં નાખો.
(2) દહીં તૈયાર થઈ જાય ત્યારે કપડામાં બાંધી લટકાવી મસ્કો તૈયાર કરો.
(3) ખૂબ ગરમી હોય અને મસ્કો કરવા બહાર લટકાવીએ તો ખાટો થઈ જાય. આવી પરિસ્થિતિમાં દહીં કાણાવાળા વાડકામાં કાઢી, તેની નીચે તપેલી મૂકી ફ્રિજમાં મૂકવું. તેથી મસ્કો મોળો રહેશે.
(4) મસ્કા કરતાં અડધી ખાંડ લેવી.
રીત 3
હુંફાળા દૂધમાં 1 ટી સ્પૂન મોળું દહીં નાખી, બાઉલને કેસરોલમાં મૂકવાથી દહીં જલદી થાય છે.